અદાણી ગ્રૂપ આગામી 5-7 વર્ષમાં રાજસ્થાનમાં રિન્યુએબલ એનર્જી સહિત વિવિધ ક્ષેત્રોમાં 65,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે રાજસ્થાન ઈન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, અમે આગામી 5-7 વર્ષમાં રાજ્યમાં તમામ વર્તમાન અને ભાવિ પ્રોજેક્ટ્સમાં 65,000 કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા રાખીએ છીએ. તેનાથી 40,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.

અદાણીએ જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જીમાં 10,000 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આમાં 50,000 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમે રાજ્યમાં હાઇબ્રિડ પ્રોજેક્ટ (પવન અને સૌર) ની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી છે. વધુમાં, જૂથ રાજ્યમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવા માટે 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંપનીએ તાજેતરમાં અંબુજા સિમેન્ટ અને ACC હસ્તગત કરી છે.

શું છે યોજના?

અદાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અન્ય પ્રોજેક્ટ્સમાં જયપુર એરપોર્ટને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવા, PNG અને CNGના સપ્લાય નેટવર્કનો વિકાસ અને સ્વચ્છ ઇંધણની ઉપલબ્ધતામાં ઝડપથી વધારો કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઉત્પાદિત રિન્યુએબલ એનર્જી માટે નવો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકારની સાનુકૂળ ઔદ્યોગિક નીતિઓથી રાજ્ય ચોક્કસપણે ઝડપથી વિકાસ કરશે.