સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે મહત્વના સમાચાર છે. 1 ડિસેમ્બર, 2022 ના રોજ, બંને ધાતુના ભાવમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 53,000 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જયારે, આજે ચાંદીની કિંમત પણ 64,000ને પાર કરી રહી છે. સોનાની કિંમત હાલમાં 3.5 મહિનાના રેકોર્ડ સ્તરે અને ચાંદીની કિંમત 7 મહિનાની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહી છે.

સવારે 10 વાગ્યે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.83 ટકાના વધારા સાથે 53,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે. સોનાની કિંમતો ટૂંક સમયમાં બજારમાં એક નવો રેકોર્ડ સ્તર બનાવી શકે છે. નવેમ્બર મહિનામાં સોનાના ભાવમાં 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.

આ સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારે 10 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી 2.23 ટકાના વધારા સાથે 64874 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે. નવેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 3800 રૂપિયાનો વધારો થયો છે.

ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં પણ સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાનો હાજર ભાવ આજે 1.51 ટકા વધીને $1,775.25 પ્રતિ ઔંસ થયો હતો. જયારે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ આજે 5.14 ટકાના ઉછાળા સાથે 22.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજારમાં આવી જ તેજી જોવા મળે તો સ્થાનિક બજારમાં સોનાની કિંમત 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જઈ શકે છે. જયારે, સોનાનું અત્યાર સુધીનું રેકોર્ડ સ્તર 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે વર્ષ 2020માં બન્યું હતું. હાલ સોનું રેકોર્ડ સ્તરથી લગભગ 3400 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.