ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન કંપની એર ઈન્ડિયાએ સોમવારે તેના હાલના કાફલાને વધુ વધારવા માટે 12 એરક્રાફ્ટ લીઝ પર લેવાની જાહેરાત કરી છે. જેમાં 6 એરબસ A320neo નેરો બોડી એરક્રાફ્ટ અને 6 બોઇંગ B777-300F વાઇડબોડીનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપે આ વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. ત્યારથી તે સતત તેનું નેટવર્ક અને કાફલો વિસ્તરી રહ્યું છે.

આ એરક્રાફ્ટને 2023ના પહેલા ભાગમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમને ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય માર્ગો પર તૈનાત કરવામાં આવશે. સિંગાપોર એરલાઇન્સ સાથે ટાટાના સંયુક્ત સાહસ વિસ્તારા સાથે એર ઇન્ડિયાના વિલીનીકરણની જાહેરાતના દિવસો બાદ આ પગલું આવ્યું છે.

એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે આ વધારાના એરક્રાફ્ટ લીઝ અમારા નજીકના ગાળાના વિકાસને ટેકો આપશે. તેમણે કહ્યું કે એરલાઇનનું નેટવર્ક વિસ્તરણ એ એર ઈન્ડિયાની વિહાન.એઆઈ ટ્રાન્સફોર્મેશન જર્નીનો એક આવશ્યક ભાગ છે અને અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રીતે કનેક્ટિવિટી અને ફ્લાઈટ્સની આવર્તન વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

ટાટા જૂથે નવેમ્બરમાં કહ્યું હતું કે એર ઈન્ડિયા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરીને વેગ આપવા માટે આગામી 15 મહિનામાં 25 એરબસ નેરો-બોડી અને 5 બોઈંગ વાઈડ-બોડી એરક્રાફ્ટ સહિત 30 એરક્રાફ્ટ લીઝ પર આપશે. 5 ડિસેમ્બરની જાહેરાત સાથે, સંખ્યા વધીને 42 થઈ ગઈ છે.