આજે શરૂઆતના વેપાર દરમિયાન, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના શેરમાં મજબૂત વેચવાલી જોવા મળી હતી અને તેના શેરમાં BSE પર 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર LICના શેર પ્રતિ શેર રૂ. 786.05ના ભાવે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જયારે, એલઆઈસીનું માર્કેટ કેપ પણ ઘટીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. સમાચાર લખવાના સમયે, LIC ના શેર NSE પર શેર દીઠ રૂ. 786.50 પર ટ્રેડ કરી રહ્યા હતા અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન (M-Cap) રૂ 4,97,46,106.92 હતું.

તમને જણાવી દઈએ કે LICના શેરમાં સતત 5 ટ્રેડિંગ સેશનથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 5 ટ્રેડિંગ સેશનમાં LICના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, BSE સેન્સેક્સ આ સમયગાળામાં માત્ર 0.83 ટકા ઘટ્યો છે. 17 મેના રોજ એલઆઈસીના શેરનું નબળું લિસ્ટિંગ થયું હતું. તે ઇશ્યૂ પ્રાઇસ સામે 8 ટકાના ઘટાડા સાથે લિસ્ટ થયો હતો. જો સોમવારના ઘટાડાનો પણ આમાં સમાવેશ કરવામાં આવે તો તેમાં રૂ. 949ની ઇશ્યૂ કિંમત સામે 17 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

LICનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. તેનું કદ રૂ. 20,557 કરોડ હતું અને તેને માત્ર 2.95 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. તેના શેર રિટેલ રોકાણકારોને શેર દીઠ રૂ. 905ના ભાવે ફાળવવામાં આવ્યા હતા, જ્યારે પોલિસીધારકોને શેર દીઠ રૂ. 889ના ભાવે ફાળવવામાં આવ્યા હતા.

જ્યારે ઘટાડો થાય ત્યારે શું મારે LICના શેર ખરીદવા જોઈએ?

બ્લૂમબર્ગના અહેવાલમાં, એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ-રિસર્ચ સૌરભ જૈને જણાવ્યું છે કે LICના IPOનું લિસ્ટિંગ ખૂબ જ નબળું હતું અને તેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભાગીદારી લગભગ શૂન્ય હતી. વધુમાં, સેબી દ્વારા એન્કર રોકાણકારો માટે લોક-ઈન પિરિયડ એક મહિના તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે એન્કર રોકાણકારોએ એક મહિનો પૂરો કર્યો, ત્યારે LICના શેર વધુ વેચવા લાગ્યા. જૈને રોકાણકારોને સલાહ આપી છે કે હાલમાં એલઆઈસીના શેરથી દૂર રહેવું વધુ સારું છે કારણ કે તેની ચોથા ક્વાર્ટરની કમાણી પણ પ્રોત્સાહક રહી નથી.