શેરબજારમાં ફરી આવી સુનામી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી વર્ષના સૌથી નીચલા સ્તર પર

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે શેરબજારે જોરદાર ઉછાળા સાથે કારોબાર ની શરૂઆત થઈ હતી, પરંતુ આ ગતિ લાંબો સમય ટકી શકી ન હતી અને એક દિવસના કારોબાર બાદ આખરે બંને ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. 30 શેરો ધરાવતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1046 પોઈન્ટના ઘટાડા સાથે 51,496 પર બંધ થયું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 332 પોઈન્ટ ઘટીને 15,360 પર બંધ થયું હતું.
ગુરુવારે નિફ્ટી 15,344 ની નીચી સપાટીએ સરકી ગયું હતું. આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. અગાઉ, BSE સેન્સેક્સ 506 પોઈન્ટ અથવા 0.96 ટકા વધીને 53,048 પર, જ્યારે NSE નિફ્ટી 142 પોઈન્ટ અથવા 0.91 ટકાના વધારા સાથે 15,835 પર ખુલ્યું હતું. બજાર ખુલતા સમયે લગભગ 1437 શેરમાં વધારો અને 250 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ અગાઉ પણ સતત ચાર દિવસ સુધી શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નજીવા વધારા સાથે ખૂલ્યા બાદ આખરે એક દિવસના ટ્રેડિંગ પછી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટીને 52,541 પર બંધ થયું હતું, જ્યારે NSE નિફ્ટી 40 પોઈન્ટ ઘટીને 15,692 પર બંધ થયું હતો.