ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. બુધવારે તે 80 ની ઉપર પહોંચીને પ્રથમ વખત ઘટીને બંધ થયો હતો. સ્થાનિક ચલણમાં ચાલી રહેલા ઘટાડાને રોકવા માટે આરબીઆઈ કુલ વિદેશી મુદ્રા ભંડારનો છઠ્ઠો ભાગ એટલે કે 100 અરબ ડોલરનું વેચાણ કરશે. આ પગલાથી સેન્ટ્રલ બેંક રૂપિયાના ઘટાડાને 4 મહિના માટે રોકી શકે છે. આ વર્ષે જાન્યુઆરીથી રૂપિયો 7 ટકાથી વધુ તૂટ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે, જો RBI ઘટાડાને અટકાવશે નહીં તો રૂપિયો વધુ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય બેંક સ્થાનિક ચલણને ટેકો આપવા માટે વિદેશી મુદ્રા ભંડારમાંથી 100 અરબ ડોલરથી વધુનું વેચાણ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂપિયામાં ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓના અનુરૂપ છે. આરબીઆઈ આ ઘટાડાને જલ્દી રોકવાનો પ્રયાસ કરતી નથી. જો કે, તેની પાસે ગમે ત્યારે તેને રોકવાનું સાધન છે. જરૂર પડ્યે વધુ ડોલર વેચી શકે છે.

રૂપિયાના મૂલ્યમાં હજુ વધુ ઘટાડો થયો નથી. જો કે, આરબીઆઈના તાજેતરના પગલાથી સ્થાનિક ચલણને અમુક અંશે મદદ મળી શકે છે. એક વેપારીએ જણાવ્યું છે કે, અમેરિકાની સખ્ત નીતિઓને કારણે રૂપિયો 84-85 સુધી ગબડી શકે છે.

સરકાર અને આરબીઆઈ વિદેશી રોકાણકારોને પરત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમને આશા છે કે, એક મહિનામાં વિદેશી રોકાણકારો પાછા આવશે. જો કે, સિંગાપોરના વેપારીએ કહ્યું, વ્યાજ દરો ખૂબ ઊંચા છે. આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો ઝડપથી ભારતમાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે.