હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના એ તેનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સાકાર દ્વારા હાલમાં મોટા ભાગ વેપાર ધંધા પર રોક લગાવી દીધી છે. અને કોરોના સંક્રમણ રોકવા માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. સુરત શહેર પોલીસે હીરા બજારમાં દલાલી કરતા દલાલોની ધરપકડ કરી છે. જો કે હાલમાં કોરોના સંક્રમણ વધવાને કારણે સુરત શહેરમાં કોરોનાની ચેઇન તોડવા હીરા બજારમાં વેપાર ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તેમાં છતાં પણ કેટલાક લોકો દુકાનો ખોલીને વેપાર કરી રહ્યા છે. જેને લઈને મહિધરપુરા પોલીસે 15 હીરા દલાલોની ધરપકડ કરી લીધી છે. પોલીસે માસ્ક વગર બજારમાં ફરતા 25 લોકો પાસે દંડ વસુલયો છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે.