ગુરુવારે શેરબજારો લીલા રંગમાં ખુલ્યા હતા. આજે બજાર ખુલતાની સાથે જ સૂચકાંકો વધ્યા હતા અને નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ઉછાળાને જોતા ભારતીય શેરબજાર પણ આજે લીલા નિશાન પર ખુલ્યું હતું. સમાચાર લખાય છે ત્યાં સુધી, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 558 પોઈન્ટ વધીને 59,587 પર અને નિફ્ટી 152 પોઈન્ટ વધીને 17,776 પર ટ્રેડ કરી રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાની ચિંતાને કારણે છેલ્લા એક સપ્તાહથી બજાર અસ્થિર રહ્યું છે.

શરૂઆતના સેશનમાં તમામ સેક્ટર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઇટી, પાવર, ઓટો અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં મહત્તમ વૃદ્ધિ જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અડધા ટકા વધ્યા હતા. ઓટો સેક્ટરના શેરોમાં આજે સૌથી વધુ તેજી રહેવાની ધારણા છે. ઑગસ્ટ 2022 માં એકંદરે વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 8 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, 3-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 83 ટકા વધીને 56,313 થયું છે.

એશિયન પેઇન્ટ, ટેક મહિન્દ્રા, BPCL, આઇશર મોટર્સ અને ભારતી એરટેલમાં આજે શરૂઆતના વેપારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, હીરો મોટર્સના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 27 પૈસા વધીને 79.68 પર પહોંચ્યો હતો.