Stock Market Opening: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે માર્કેટમાં સકારાત્મક કારોબાર, નિફ્ટી 18,640ની ઉપર

ઓટો, મેટલ અને એફએમસીજી શેરોમાં ખરીદી, વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે શુક્રવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 115 પોઈન્ટ ઉછળ્યો હતો. ટ્રેડર્સે જણાવ્યું હતું કે મુખ્ય કરન્સી સામે રૂપિયામાં મજબૂતીથી સ્થાનિક ઈક્વિટીને પણ ટેકો મળ્યો છે. 30 શેરો ધરાવતો BSE ઈન્ડેક્સ શરૂઆતના કારોબારમાં 115.09 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 62,685.77 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી 33.25 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 18,642.60 પર પહોંચ્યો હતો.
ગુરુવારે પાછલા સત્રમાં, 30 શેરો ધરાવતો BSE બેન્ચમાર્ક 160 અંક વધીને 62,570.68 પર બંધ થયો હતો. NSE નિફ્ટી 48.85 પોઈન્ટના ઉછાળા સાથે 18,609.35 પર બંધ રહ્યો હતો.
ટોચના નફો કરનારા અને ગુમાવનારા
સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્ક 1.10 ટકા સુધી વધીને ટોપ ગેનર હતી, ત્યારબાદ HUL, ટાટા સ્ટીલ, NTPC, SBI, ITC, નેસ્લે ઈન્ડિયા અને મારુતિનો નંબર આવે છે. બીજી તરફ, HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેંક રેડમાં છે.
વિશ્વ બજારોની સ્થિતિ
એશિયન બજારોમાં, ટોક્યો, શાંઘાઈ, સિયોલ અને હોંગકોંગના શેરબજારો મધ્ય સત્રના સોદામાં લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે વોલ સ્ટ્રીટ પર ઈક્વિટીઝ ઊંચી બંધ થઈ. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા, જેમણે ગુરુવારે રૂ. 1,131.67 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
મજબૂત રૂપિયો
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને ડૉલરમાં નબળાઈ વચ્ચે શુક્રવારે શરૂઆતના વેપારમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો 19 પૈસા સુધરીને 82.19 પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં, ડોમેસ્ટિક યુનિટ ડોલર સામે 82.30 પર ખૂલ્યું હતું, પછી 82.19 સુધી આગળ વધ્યું હતું, તેના અગાઉના બંધ કરતાં 19 પૈસાનો વધારો નોંધાવ્યો હતો. ગુરુવારે યુએસ ડૉલરની સરખામણીએ રૂપિયો 9 પૈસા સુધરીને 82.38 પર બંધ થયો હતો.
આ દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે 0.23 ટકા ઘટીને 104.53 પર આવી ગયો છે. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.89 ટકા વધીને $76.83 પ્રતિ બેરલ થયું છે.