જો તમે પણ હવાઈ મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. Akasa Air વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવાઈ ​​પ્રવાસીઓ માટે અન્ય એરલાઈન્સની સેવા શરૂ થઈ છે. અકાસા એર ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અકાસા એર ક્યારે પહેલી ફ્લાઈટ ઉડાવશે તે પણ બહાર આવ્યું છે. કંપનીએ શુક્રવારથી ફ્લાઈટનું બુકિંગ શરૂ કરી દીધું છે. શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ અકાસાની પ્રથમ ફ્લાઇટ 7 ઓગસ્ટે થશે.

અકાસા એરની પ્રથમ ફ્લાઈટ આવતા મહિનાથી શરૂ થઈ રહી છે. સૌથી પહેલા બોઇંગ 737 MAX પ્લેન સાથેની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે. અકાસા એર દ્વારા શુક્રવારે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદન હેઠળ જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કંપની દ્વારા 28 ફ્લાઈટ્સ માટે ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ફ્લાઇટ 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર શરૂ થશે, ત્યારબાદ આઝાદીના બે દિવસ પહેલા 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી રૂટ શરૂ થશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દર મહિને બે નવા એરક્રાફ્ટ ઉડાન ભરશે. અકાસા એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ અય્યરે જણાવ્યું હતું કે, “અમે નવા બોઇંગ 737 MAX એરક્રાફ્ટ સાથે અમારી પ્રથમ ફ્લાઇટ શરૂ કરી રહ્યા છીએ.

આ પછી, અમે તબક્કાવાર રીતે અમારા નેટવર્કને વિસ્તૃત કરીશું. આ અંતર્ગત નવા શહેરોને જોડવાનું કામ સતત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે અમારા કાફલામાં દર મહિને બે નવા એરક્રાફ્ટ ઉમેરવાની યોજના સાથે આગળ વધી રહ્યા છીએ.

એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 7 જુલાઈના રોજ અકાસા એરને તેનું એર ઓપરેટર સર્ટિફિકેટ આપ્યું હતું. ગયા વર્ષે DGCA તરફથી કંપનીને લીલીઝંડી મળ્યા બાદ Akasa Airએ 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે 26 નવેમ્બરે બોઇંગ સાથે કરાર કર્યો હતો.