ચોમાસાને કારણે વાતાવરણમાં ભલે લીલોતરી દેખાવા લાગી હોય પરંતુ શેરબજાર લાલ દેખાઈ રહ્યું છે. સ્થાનિક શેરબજારની શરૂઆત આજે લાલ રહી હતી. બુધવારે એટલે કે આજે બીએસઈનો 30 શેરોવાળો મુખ્ય સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 554 પોઈન્ટના ઘટાડા સાથે 52623 ના સ્તર પર ખુલ્યો હતો. જયારે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ દિવસના ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાન સાથે કરી હતી.

શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં ડૉ. રેડ્ડીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, રિલાયન્સ, આઈટીસી, રિલાયન્સ, સ્ટેટ બેંક સહિતના તમામ શેરો લાલ નિશાન પર હતા. સેન્સેક્સ 491 પોઈન્ટ ઘટીને 52686 પર અને નિફ્ટી 143 પોઈન્ટ ઘટીને 15706ની સપાટીએ હતો.

મંગળવારે યુએસ શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 491.27 (1.56%) પોઈન્ટ ઘટીને 30,946.99 પર બંધ થયો, જ્યારે Nasdaq 343 પોઈન્ટ અથવા 2.98 ટકા ઘટીને 11181 પર બંધ થયો. S&P પણ 2 ટકાથી વધુ ઘટીને બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારો મંગળવારના રોજ નજીવા વધારા સાથે બંધ થયા હતા અને શરૂઆતના ઘટાડાથી રિકવર થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી વૈશ્વિક બજારોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થતાં પહેલાં એનર્જી, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઓટો શેરોમાં ઉછાળા સાથે સમાપ્ત થયા હતા. આ સતત ચોથું ટ્રેડિંગ સેશન છે, જ્યારે બજારમાં તેજી રહી હતી.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 16.17 પોઈન્ટ અથવા 0.03 ટકાના વધારા સાથે 53,177.45 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે ઘટીને 390 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 18.15 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 15,850.20 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે નીચામાં 15,710.15 અને ઉચ્ચમાં 15,892.10 સુધી ગયો.