વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 781 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સાથે મુખ્ય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 781.52 અંકોના ઉછાળા સાથે 53,509.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. NSE નિફ્ટી પણ 228.2 પોઈન્ટ વધીને 15,927.45 પર પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો, ઇન્ફોસીસ, બજાજ ફાઇનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઇનર્સમાં હતા. અન્ય એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ મધ્ય સત્રના સોદામાં લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે અમેરિકી બજારો જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે.

આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.20 ટકા વધીને 113.35 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે ચોખ્ખી 2,353.77 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું.