સ્પાઈસ જેટ એરલાઈન્સ છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારોમાં છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ગુરુવારે સવારે ટેકઓફ કર્યા પછી તરત જ ઓટોપાયલોટ સિસ્ટમમાં ખામીને કારણે નાશિક જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ડીજીસીએના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. સ્પાઈસજેટની ફ્લાઈટ SG-8363 એ સવારે 6:54 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ ઓટોપાયલટમાં ખામી સર્જાતા તેને રાષ્ટ્રીય રાજધાનીમાં પાછી વાળવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયું છે.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ B737 એરક્રાફ્ટ 1 સપ્ટેમ્બર, 2022ના રોજ દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરવાનું હતું. ઓટોપાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ ફ્લાઈટ ક્રૂ દિલ્હી પરત ફર્યો હતો. વિમાને દિલ્હીમાં સામાન્ય ઉતરાણ કર્યું અને મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતર્યા.

જણાવી દઈએ કે તાજેતરના મહિનાઓમાં સ્પાઈસજેટ એરક્રાફ્ટમાં ખરાબીની ઘણી ઘટનાઓ સામે આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના આદેશ મુજબ, સ્પાઈસ જેટ હાલમાં તેની 50 ટકાથી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી નથી.