દેશની સૌથી મોટી ડિજીટલ પેમેન્ટ પ્રોવાઈડર એપ Paytm (Paytm-One 97 Communications Ltd) દૈનિક ઘટાડાનો નવો રેકોર્ડ બનાવી રહી છે. કંપનીના શેર ઘટ્યા બાદ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ગુરુવારે પેટીએમનો શેર 457.05 રૂપિયા પર ખુલ્યો હતો. એક તબક્કે શેર રૂ.467ની ટોચે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં તે નીચે આવ્યો હતો અને બપોરે 2 વાગ્યાની આસપાસ બે ટકા ઘટીને રૂ. 450.40 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

એક મહિના પહેલા 25 ઓક્ટોબર 2022ના રોજ આ શેર 656 રૂપિયાના સ્તરે હતો. આ એક મહિના દરમિયાન જ તેમાં 31 ટકાથી વધુનું બ્રેકડાઉન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં તેની IPO કિંમતથી લગભગ 80 ટકાનો ઘટાડો થયો છે. Paytmના IPOની ઇશ્યૂ કિંમત 2150 રૂપિયા હતી. જે લોકોએ 2150 રૂપિયાના સ્તરે આ સ્ટોક ખરીદ્યો છે તેઓ આ સમયે ભારે નુકસાનમાં છે.

હાલમાં જ કંપનીનો શેર 438.35 રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. વેચાણને કારણે પેટીએમનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. શેરની ઊંચી સપાટી 2150 રૂપિયા છે. Paytmની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને 571 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીને 473 કરોડની ખોટ થઈ હતી.

જો કોઈ રોકાણકારે Paytmમાં 2150 રૂપિયામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને તે સમયે 46 શેર મળ્યા હોત. પરંતુ હવે જ્યારે આ સ્ટોક ઘટીને 450 રૂપિયાની આસપાસ છે, ત્યારે એક લાખની રકમ ઘટીને 20,500 રૂપિયાની આસપાસ થઇ ગઇ છે. આ રીતે તમે કહી શકો કે Paytm એ ઉચ્ચ સ્તરેથી 80 ટકાનું નુકસાન કર્યું છે.