ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસજેટને એન્જિન નિર્માતા પ્રેટ એન્ડ વ્હીટનીને દર 15 દિવસે તેલના નમૂના મોકલવા જણાવ્યું છે. વાસ્તવમાં, સ્પાઇસજેટનું તાજેતરમાં હૈદરાબાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે તેને એન્જિન ઉત્પાદકને તેના તેલના નમૂના મોકલવા માટે કહેવામાં આવ્યું છે. એવિએશન રેગ્યુલેટરે એરલાઈનને એક સપ્તાહની અંદર આવા તમામ 28 એન્જિનનું એક વખતનું બોરોસ્કોપિક ઈન્સ્પેક્શન કરવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, ગોવાથી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું બુધવારે રાત્રે હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટ એરક્રાફ્ટના પાયલટે કોકપીટ અને કેબીનમાં ધુમાડો જોયો હતો. આ પછી ફ્લાઇટને વિલંબ કર્યા વિના હૈદરાબાદમાં લેન્ડ કરવામાં આવી હતી. વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું અને લોકોને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા ઉતારવામાં આવ્યા.

9 ફ્લાઇટ્સનો રૂટ ડાયવર્ટ

માહિતી અનુસાર, હૈદરાબાદ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ Q400 એરક્રાફ્ટ VT-SQBમાં 86 મુસાફરો હતા. તેના ઈમરજન્સી લેન્ડિંગ બાદ આ રૂટની 9 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડિંગ લગભગ 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, જ્યારે ફ્લાઇટમાં ધુમાડો વધતો ગયો ત્યારે એક મુસાફરે તેની તસવીર લીધી અને તેને ટ્વિટર પર શેર કરીને પોતાનો અનુભવ શેર કર્યો. આ સિવાય 2 અન્ય વીડિયો શેર કરવામાં આવ્યા હતા જેમાં ઈમરજન્સી લેન્ડિંગ જોવા મળી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, સ્પાઈસ જેટના વિમાનમાંથી ધુમાડો નીકળવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. આ જ કારણ છે કે DCGAએ હવે સ્પાઈસ જેટને દર 15 દિવસે તેલના સેમ્પલ મોકલવાનું કહ્યું છે.

જણાવી દઈએ કે, સ્પાઈસ જેટ પણ આ દિવસોમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ કારણોસર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સ્પાઇસજેટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રેગ્યુલેટરે સ્પાઈસ જેટના માત્ર 50 ટકા એરક્રાફ્ટને ઉડાડવાની પરવાનગી આપી છે. આ 29 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.