ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) ના ટોચના નેતાએ જણાવ્યું છે કે, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ 27 જૂનની હડતાલ મોકૂફ રાખી છે. UFBU એ અનેક બેંક યુનિયનોની એક સંસ્થા છે. તેનો અર્થ એ છે કે, હવે બેંકોમાં સૂચિત 27 જૂન એટલે કે સોમવારના રોજ હડતાળ રહેશે નહીં.

આ હડતાલ મુલતવી રાખવાથી સામાન્ય લોકોને રાહત મળશે કારણ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે ચોથા શનિવાર અને સાપ્તાહિક રવિવારની રજા બાદ બેંક હડતાલને કારણે દેશની બેંકો ત્રણ દિવસ બંધ રહેશે. હવે આ બેંક હડતાલ ટળી ગઈ છે, તો 27 જૂન, સોમવારે દેશની બેંકો રાબેતા મુજબ કામ કરશે.

 

AIBEA ના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટચલમે જણાવ્યું છે કે, “ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ UFBU ને જાણ કરી છે કે, તેણે 1 જુલાઈ, 2022 ના રોજ મુંબઈમાં બાકીના તમામ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનું નક્કી કર્યું છે.” તેમણે કહ્યું છે કે, 1 જુલાઈથી શરૂ થયેલી વાતચીતને ધ્યાનમાં રાખીને 27 જૂને પ્રસ્તાવિત અખિલ ભારતીય હડતાલ મોકૂફ રાખવામાં આવી છે.

વેંકટચલમે જણાવ્યું હતું કે, “બાકીના મુદ્દાઓમાં બેન્કરો માટે પાંચ દિવસનું અઠવાડિયું, શારીરિક વિકલાંગ કર્મચારીઓ માટે વાહન ભથ્થામાં વધારો, શાખાઓમાં એકસમાન બેન્કિંગ કલાકો, તબીબી વીમા અને કર્મચારી કલ્યાણ યોજનાઓમાં સુધારો, ભૂતપૂર્વ સૈનિક કર્મચારીઓની ફીટમેન્ટ, વિશેષ ભથ્થાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને, પૂર્વોત્તર રાજ્યોમાં અને અન્યોને પેન્શન નિયમોમાં સુધારાના રૂપમાં આપવામાં આવ્યા છે.