Thank God Trailer રીલીઝ થાય તે પહેલા સામે આવ્યું અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ફર્સ્ટ લૂક પોસ્ટર

સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ અને અજય દેવગણની ફિલ્મ ‘થેંક ગોડ’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝમાં હજુ થોડો સમય છે, પરંતુ તે પહેલા ‘થેંક ગોડ’નું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. અજય દેવગણે ફિલ્મનું પોતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરવાની સાથે ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. જ્યારે ફિલ્મમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો લુક પણ સામે આવ્યો છે.
‘થેંક ગોડ’ માંથી દેખાતા અજય દેવગણના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં તે સૂટ બૂટમાં સિંહાસન પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસ્વીર યમલોક જેવી જોવા મળી રહી છે. રકુલ દ્વારા પોસ્ટર શેર કરીને ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં અજય દેવગણ ચિત્રગુપ્તના રોલમાં જોવા મળશે. આ એક કોમેડી ફિલ્મ હશે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે અને રકુલ સાથે તેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે. હવે બાકીનું ટ્રેલર આવ્યા બાદ ચિત્ર થોડું સ્પષ્ટ થઈ જશે.
તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત સિંહ અને અજય દેવગણ ત્રીજી વખત સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ પહેલા બંને ‘દે દે પ્યાર દે’ (2019) અને ‘રનવે 34’ (2022) માં સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મનું નિર્દેશન ઈન્દ્ર કુમાર કરી રહ્યા છે, જ્યારે વાર્તા આકાશ કૌશિક અને મધુર શર્માએ લખી છે. આ ફિલ્મમાં તમને નોરા ફતેહીનો આઈટમ નંબર પણ જોવા મળશે. આ થેન્ક ગોડ 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.