બોલિવૂડ અભિનેતા અન્નુ કપૂર ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, અન્નુ કપૂર સાથે છેતરપિંડી થઈ છે. એક વ્યક્તિ દ્વારા તેમની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. હવે પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. અન્નુ કપૂરને KYC ના નામે 4.36 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે લગભગ બે મહિના પછી મુંબઈના અંધેરીમાંથી આ ધરપકડ કરી છે. આરોપીનું નામ આશિષ પાસવાન જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બેંકની 3.08 લાખની રકમ ફ્રીઝ કરી દીધી છે.

અન્નુ કપૂરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા એક વ્યક્તિએ તેમને ફોન પર જાણ કરી હતી કે, તેમનું KYC અપડેટ કરવામાં આવ્યું નથી. ફરિયાદમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, તેણે બેંક વિગતો અને OTP શેર કરવાનું કહ્યું હતું. અન્નુએ પણ તેને બેંકનો કર્મચારી માનીને તમામ માહિતી શેર કરી હતી. ત્યાર બાદ તેમના ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. અન્નુએ જણાવ્યું હતું કે, તેને આ અંગેની જાણ બેંકના કસ્ટમર કેર તરફથી કોલ આવ્યા બાદ થઈ હતી.

અભિનેતાએ જણાવ્યું હતું કે, તેમને બેંકમાંથી આવેલા કોલથી ખબર પડી કે તેના ખાતા સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમને ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલામાં કેસ નોંધાવ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અન્નુ કપૂર છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળ્યા હતો. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ સિવાય અન્નુ કપૂરના ઘણા અપકમિંગ પ્રોજેક્ટ છે, જેની તૈયારીમાં અભિનેતા વ્યસ્ત છે.