સપના ચૌધરી ખરાબ રીતે ફસાઈ ગઈ છે. લખનૌની એક કોર્ટે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી અને અન્ય ચાર આરોપીઓ સામે છેતરપિંડીના કેસમાં આરોપો નક્કી કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીની કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 હેઠળ આરોપો નક્કી કર્યા છે. ચૌધરી અને અન્ય આરોપીઓ સુનાવણી સમયે કોર્ટમાં હાજર હતા. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 12 ડિસેમ્બર નક્કી કરી છે. જણાવી દઈએ કે, સપના ચૌધરી સિવાય અન્ય સહ-આરોપી જુનૈદ અહેમદ, ઈવાદ અલી, અમિત પાંડે અને રત્નાકર ઉપાધ્યાય સામે પણ આરોપો નક્કી કર્યા છે.

13 ઓક્ટોબર 2018 ના રોજ આશિયાના પોલીસ સ્ટેશનના કિલા પોલીસ ચોકીના સબ-ઈન્સ્પેક્ટર ફિરોઝ ખાને પહેલ ઈન્સ્ટિટ્યૂટના સપના ચૌધરી, રત્નાકર ઉપાધ્યાય, અમિત પાંડે, ઈબાદ અલી, નવીન શર્મા અને જુનૈદ અહેમદ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, 13 ઓકટોબરના બપોરે ત્રણથી રાત્રીના દસ વાગ્યા સુધી સ્મૃતિ ઉપવનમાં સપના ચૌધરી સહીત અન્ય કલાકારોનો કાર્યક્રમ હતો. તેના માટે આરોપીએ વ્યક્તિદીઠ રૂ.300 ની ટિકિટ વેચી હતી. રાત્રીના 10 વાગ્યા સુધી ડાન્સર્સ ન આવતા રોષે ભરાયેલા લોકોએ કાર્યક્રમ રદ્દ કરવાને લઈને હોબાળો મચાવ્યો હતો.

કેસની તપાસ બાદ જુનૈદ, ઇબાદ, અમિત અને રત્નાકર સામે 20 જાન્યુઆરી 2019 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે સપના સામે 1 માર્ચ 2019 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 26 જુલાઈ 2019ના રોજ આ અંગે સંજ્ઞાન લીધું હતું.