કોમેડી જગતના દિગ્ગજ રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જીમમાં કસરત કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા રાજુ શ્રીવાસ્તવની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે છેલ્લા 6 દિવસથી એમ્સ (AIIMS) માં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન, તાજેતરમાં રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને એક મોટા અપડેટ સામે આવ્યા છે. જેમાં રાજુની તબિયતમાં થોડો સુધારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજુ શ્રીવાસ્તવની તબિયત પર દરેકની નજર રહેલી છે. વાસ્તવમાં રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે, જે અંતર્ગત તેમના તમામ ચાહકો રાજુના સ્વાસ્થ્ય માટે દિવસ-રાત પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં જ ન્યૂઝ એજન્સી ANI એ મંગળવારે એક ટ્વિટ દ્વારા રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે મોટું અપડેટ આપ્યું છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, આ માહિતી આપતા રાજુના અંગત સચિવ ગરવિત નારંગે કહ્યું છે કે, હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લગતા આ લેટેસ્ટ હેલ્થ અપડેટ બાદ તેમના ચાહકોને થોડી રાહત મળી હશે.

વાસ્તવમાં, 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ દક્ષિણ દિલ્હીના કલ્ટ જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. ટ્રેડમિલ પર દોડતી વખતે રાજુને અચાનક છાતીમાં દુ:ખાવો થયો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયા હતા. ત્યાર બાદ રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવારના ભાગરૂપે એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા દિવસોથી રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે. જે અંતર્ગત દરેક લોકો આ કોમેડીના બાદશાહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.