દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ તેની ઝપેટમાં આવી ચુક્યા છે. આ સેલેબ્સની યાદીમાં મહાન સિંગર લતા મંગેશકર પણ સામેલ થઈ ગયા છે. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો રહેલા છે.

મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લતા મંગેશકરને ઉંમર સંબંધિત સમસ્યા છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. તેમની ભત્રીજી રચનાએ જણાવ્યું છે કે, અમારી પ્રાઈવસીનું સન્માન કરો અને તેમના માટે પ્રાર્થના કરો. આ અગાઉ, દિગ્ગજ લતા મંગેશકરને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લતા મંગેશકર માટે સોશિયલ મીડિયામાં દુઆઓ અને પ્રાર્થનાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પોતાની સાત દાયકાની લાંબી કારકિર્દીમાં લતા મંગેશકરે વિવિધ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2001માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ પણ આપવામાં આવ્યું હતું. તેમને 1989 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.