અશ્લીલ ફિલ્મોના કેસમા શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાં બંધ છે. તાજેતરમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુંદ્રા અને તેની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝના આઈટી હેડ રાયન થોર્પ સામે 1,467 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં રાજ કુંદ્રા અને રાયન સિવાય અન્ય બે વોન્ટેડ આરોપીઓ યશ ઠાકુર અને સંદીપ બક્ષી સામે પણ પુરાવા રહેલા છે. આ ચાર્જશીટમાં 43 સાક્ષીઓના નિવેદન છે અને તેમાંથી એક રાજની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું છે.

રાજ કુંદ્રાને સાથે રાખીને પોલીસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી હતી. નિવેદન દરમિયાન શિલ્પા શેટ્ટીએ શું કહ્યું હતું તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, શિલ્પા શેટ્ટીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું, “રાજ કુંદ્રા દ્વારા 2015 માં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની શરૂઆત કરાઈ હતી. હું 2020 સુધી કંપનીમાં ડાયરેક્ટર પદ પર રહી હતી પરંતુ મે અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. મને હોટશોટ્સ અને બોલીફેમ એપ્સ વિશે કંઈ જ ખબર નહોતી. હું મારા કામમાં ખૂબ વ્યસ્ત હતી એટલે મને નથી ખબર કે રાજ શું કરી રહ્યો હતો.”

તમને જણાવી દઈએ કે, ચાર્જશીટમાં પોલીસ દ્વારા રાજ કુંદ્રાને પોર્ન રેકેટનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો હતો. તેની સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, રાજ કુંદ્રા પોર્ન રેકેટના રોજિંદા ઓપરેશન મુંબઈમાં આવેલા વિઆન ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી સંભાળતા હતા. પોલીસના કહેવા મુજબ, હોટશોટ્સ અને બોલીફેમ આ બંને એપ એવી છે જેના પર રાજ દ્વારા અશ્લીલ ફિલ્મો અપલોડ કરાઈ હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટી સિવાય 42 લોકોના નિવેદન નોંધવામાં આવેલ છે, જેમાંથી કેટલાક મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધાયા હતા.