બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ફેવરિટ શોમાંથી એક છે. આ શોની દરેક સીઝન લાઈમલાઈટમાં રહે છે. ટૂંક સમયમાં કોન્ટ્રોવર્શિયલ શોની 16 મી સીઝન પણ શરૂ થવા જઈ રહી છે. તેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. હવે સ્પર્ધકોને ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. આ સિઝન માટે બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીના ઘણા સ્ટાર્સને ઓફર કરવામાં આવી હતી. જ્યારે ઘણાએ તેનો સ્વીકાર કર્યો, તો કેટલાકે તેને નકારી કાઢ્યો હતો. હવે અમૃતા ખાનવિલકરે આ શોનો ભાગ બનવા પર પ્રતિક્રિયા આપી છે.

અમૃતા ખાનવિલકર ટીવી અને મરાઠી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણા ડેઈલી સોપ્સ અને રિયાલિટી શોમાં જોવા મળી છે. તેણે વર્ષ 2015 માં ટીવી અભિનેતા હિમાંશુ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. આ દિવસોમાં અમૃતા ફેમસ સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા 10’ માં જોવા મળી રહી છે. તેણીને ‘બિગ બોસ’ માટે ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તે કોઈ કારણોસર આ શો કરી શકી નથી. હવે તેણે આ શો કરવાની શરત જાહેર કરી છે.

અમૃતા ખાનવિલકરે ‘ઇટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, એવું શું કારણ છે, જેના કારણે તે આ શો કરી શકતી નથી. અભિનેત્રીએ જણાવ્યું છે કે, “મને બિગ બોસની ઓફર ઘણા સમયથી મળી રહી છે, પરંતુ હું નિર્માતાઓને કહેતી રહી છું કે જો મારા પતિ તેના માટે સંમત થશે, તો હું શો કરીશ.”