અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટા પાયે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દેશમાં 5 હજારથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે, જ્યારે વિદેશમાં તેને 3 હજારથી વધુ સ્ક્રીન્સ મળી છે. ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને તેના કન્ટેન્ટથી લઈને સ્ટાર કાસ્ટ અને બજેટ જેવી ઘણી બાબતોને કારણે આ ફિલ્મ હેડલાઈન્સમાં રહી છે. પરંતુ જોવાની વાત એ છે કે આટલા મોટા પાયે રિલીઝ થયેલી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર કેટલી અસર જોવા મળશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર, આ ફિલ્મ લગભગ 9000 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ દેશભરમાં કુલ 5019 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે અને વિદેશમાં પણ તેની સંખ્યા 3,894ના આંકડાને પાર કરી શકે છે. તરણ આદર્શ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, આ ફિલ્મ લગભગ 8,913 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે જે એક મોટી સંખ્યા છે. તમને જણાવી દઈએ કે ખાલી ઓસ્ટ્રેલિયામાં જ આ ફિલ્મ 300 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

આ અગાઉ એક પ્રેસ મીટમાં, ફિલ્મમાં નંદી અસ્ત્રની ભૂમિકા ભજવતા નાગાર્જુન અક્કીનેનીએ આ ખૂબ જ મહત્વાકાંક્ષી ફિલ્મના રિલીઝ કદ વિશે વિગતો આપી હતી. નાગાર્જુને જણાવ્યું હતું કે બ્રહ્માસ્ત્ર આખી દુનિયામાં ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ રિલીઝ થનારી છે. સ્ટાર સ્ટુડિયોએ પુષ્ટિ કરી છે કે, આ ફિલ્મ વિશ્વભરમાં 8000 થી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ થશે. જેમાં ભારતમાં લગભગ 5000 સ્ક્રીન અને વિદેશમાં લગભગ 3000 સ્ક્રીનનો સમાવેશ થાય છે.