રિલીઝ પહેલા જ ફિલ્મ “Avatar The Way Of Water” એ ભારતમાં મચાવ્યો તહલકો

પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોનની ફિલ્મ “અવતારઃ ધ વે ઓફ વોટર” ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થયેલી ‘અવતાર’ ની સિક્વલ છે, જેનો ક્રેઝ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે ભારતમાં ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ની રિલીઝ પહેલા તેની ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
E-Times ના રિપોર્ટ અનુસાર, માત્ર ત્રણ દિવસમાં ‘Avatar: The Way of Water’ની 15 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. આ એડવાન્સ બુકિંગ માત્ર 45 સ્ક્રીન પર પ્રીમિયમ ફોર્મેટમાં હતું. એડવાન્સ બુકિંગ માટે મળી રહેલા પ્રતિસાદને જોતા કેટલીક વધુ સ્ક્રીન વધારવામાં આવી રહી છે.
ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બર, 2022ના રોજ દેશભરમાં અંગ્રેજી સિવાય હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓમાં રિલીઝ થશે. થોડા સમય પહેલા, જેમ્સ કેમેરોને ‘અવતાર’ને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવાનું નક્કી કર્યું, જેથી ચાહકો ફરી એકવાર પેન્ડોરાની દુનિયામાં આવી શકે. આ વખતે ફિલ્મમાં માનવીઓ અને પાંડોરાના રહેવાસીઓ વચ્ચે પાણીની અંદરની લડાઈ જોવા મળશે, જે ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
જેમ્સ કેમરૂન મોંઘી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. અહેવાલો અનુસાર, ‘અવતાર: ધ વે ઓફ વોટર’ 250 મિલિયન ડોલરમાં બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, બ્લોકબસ્ટર બનવા માટે, ઘણા પૈસા કમાવવા પડશે. તેના પાછલા ભાગમાં વિશ્વભરમાં $2.9 બિલિયન એકત્રિત થયા હતા, જે હજુ પણ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે.