પ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું 69 વર્ષની વયે અવસાન, 1 વર્ષથી કોમામાં હતી

પંજાબની જાણીતી અભિનેત્રી દલજીત કૌરનું ગુરૂવારે નિધન થયું છે. દલજીત કૌરે 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ઘણા સમયથી બીમાર હતી. તેણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી ફિલ્મો આપી છે. એટલું જ નહીં તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
પંજાબના લુધિયાણા જિલ્લામાં ગુરુવારે સવારે દલજીત કૌરનું અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દલજીત કૌર છેલ્લા ત્રણ વર્ષથી બ્રેઈન ટ્યૂમરથી પીડિત હતી અને છેલ્લા એક વર્ષથી કોમામાં હતી. તેમણે ગુરુવારે વહેલી સવારે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અંતિમ સંસ્કાર અકાલગઢની નવી વસ્તીમાં આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
પંજાબની ‘હેમા માલિની’ ના નામથી જાણીતી દિલજીત કૌરે 70 થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી સ્નાતક થયા પછી, તેણે પુણે ફિલ્મ સંસ્થામાંથી અભિનયની શરૂઆત કરી થઈ. દિલજીતે વર્ષ 1976માં તેની પ્રથમ ફિલ્મ ‘દાજ’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે સુપરહિટ પંજાબી ફિલ્મો ‘પુત્ત જટ્ટા દે’, ‘મામલા ગડબડ હૈ’, ‘કી બનુ દુનિયા દા’, ‘સરપંચ અને પટોલા’ માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે.
દલજીત કૌરે તેના પતિ હરમિન્દર સિંહનું રોડ અકસ્માતમાં અવસાન થયા બાદ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું, પરંતુ બાદમાં તેણે પુનરાગમન કર્યું અને ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર તેની અભિનય કુશળતા મેળવી છે.