રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના કેસનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ૧૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે આ દરમિયાન ગુજરાતી અભિનેતા હિતેન કુમારનું મોટું નિવેદન આવ્યું છે. હિતને કુમારે પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા કોરોનાને લઈને પોસ્ટ કરી છે. તે નીચે પ્રકાર છે.

તેમને સૌથી પહેલા જણાવ્યું છે કે, “કોઈ પણ ‘પોલિટિકલ એષણા’ વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું”. મુંબઈમાં રહું છું, પરંતુ એક ઘર અમારુ ‘ગુજરાતના સુરતમાં પણ છે. મારા મૂળિયાં ‘ગુજરાત’ ના જ છે, અને કાયમ રહેશે જ. ત્યાં અસંખ્ય સગાવહાલા, દોસ્તો, મિત્રો-ચાહકો મારા ગુજરાતમાં જ છે.

મારા જીવનનો મહત્તમ સમય મેં ગુજરાતમાં વિતાવ્યો છે, વર્ષો સુધી એના દરેક પંથકમાં રગદોળાયો છું. દરેક ગામડે, તાલુકે કે શહેરોમાં લોકોના પ્રેમથી ભીંજાયો છું. અને જયારે એ લોકોને પડતી તકલીફો માટે બોલવાની ઈચ્છા ધરાવતો હોવ ત્યારે હું ગુજરાતનો કેમ ના કહેવાઉં??? મારી જન્મભૂમિ ભલે મુંબઈ હોય પણ કર્મભૂમિ ગુજરાત રહી છે અને રહેશે જ. અત્ર,તત્ર,સર્વત્ર આજે સ્થિતિ લગભગ એક સમાન છે. સદ્દનસીબે મુંબઈ છોડીને.

આજે મહત્તમ કોવીડના આંકડા મહારાષ્ટ્રમાં છે એ હકીકત છે. પણ મુંબઈ શહેર છેલ્લા થોડા દિવસોથી ખુબ સરસ રીતે ‘રિકવર’ કરી રહ્યું છે એ પણ હકીકત છે. આસપાસના મોટા ભાગના અને અમારા એપાર્ટમેન્ટમાં પણ ઘણા દર્દીઓ છે. પણ કોઈક કારણસર અહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ “અંધાધૂંધી” નથી ફેલાઈ.
અહીં આપણા દેશના કોઈ પણ બીજા રાજકીય પક્ષની ‘વાહવાહી’ નથી જ કરતો,પણ કોઈક ચોકક્કસ વ્યવસ્થા ગોઠવાઈ તો છે જ જેને કારણે આ વખતે આવી ભીષણ પરિસ્થિતિમાં પણ ‘અફરાતફરી’ નથી મચી એ હકીકત છે. એક એવું શહેર જે આપણા દેશમાં સૌથી વધુ વસ્તીથી ફાટફાટ થાય છે. એવું શહેર જ્યાં દર્દીઓ અને મરણનો આંક ખુબ ડરાવી દે તેવો રહ્યો. પણ જે રીતે ધીમે-ધીમે ફરી ઉભું થઇ રહ્યું છે એમાં કોઈક પ્રયત્નો તો ‘સિસ્ટમ ચલાવવા વાળા’ અને એ સિસ્ટમને ‘ફોલૉ કરવાવાળા’નો પણ છે જ.

આવું જ આપણે ત્યાં પણ થઇ જ શકે જો એ જ “ઇચ્છાશક્તિ” રાખવામાં આવશે તો. આજ સુધી મારી ભૂતકાળની કોઈ પણ પોસ્ટમાં ક્યારેય કોઈ “બીજા પક્ષનો જયજયકાર” નહિ જ દેખાય તમને. પણ જે પક્ષમાં તમે એટલો વિશ્વાશ મુક્યો હોય, એ પક્ષની ‘નાકામીઓ’ ભૂલો તરફ ‘આંખ મિચામણાં’ એ પણ લોકોના ‘જીવના ભોગે’ કરી રીતે શક્ય છે દોસ્તો??

માનું છું કે આપણું ગુજરાત
આજે ખુબ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે તંત્ર તરફથી મંથર ગતિએ ચાલતા અમુક કાર્યો જેમાં અસંખ્ય લોકોના જીવ જતા બચી શકે એ વિશે ફરિયાદના સૂરમાં કંઇક કહેવું એ ગુનો છે?

ફરી એક વાર અમુક મિત્રોને હાકલ કરું છું કે મારી ભૂતકાળની એક પણ પોસ્ટ કોઈ બીજા પક્ષની તરફદારી કરતા શોધી બતાવે. જે ગુજરાતને મારી જન્મભૂમિ કરતા વધારે ચાહ્યું છે સતત, એ ગુજરાતના બંધુઓને જીવ બચાવવા માટે વલખા મારતા મૂંગા મોઢે જોયા કરવું કેટલું વ્યાજબી છે.?

હશે ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે, પણ મારાથી એ નથી થઈ શકતું એ હકીકત છે. કારણકે એમાં મારી કોઈ પણ ‘રાજકીય એષણા’ નથી. માત્ર એક નાગરિક તરીકે આપણા લોકોની ‘હાલાકી’ ક્યાંક ઓછી થઇ શકે એ જ પ્રયત્ન.

ઈશ્વરને પ્રાર્થના કરું હૃદયથી કે ‘આપણું ગુજરાત,આપણા ગુજરાતીઓ અને આપણા દેશબાંધવો સલામત રહે’. ત્યારે બાદ તેમને અંતમાં જણાવ્યું કે, જલ્દી આ ભિષણ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈએ જય શ્રી કૃષ્ણ’.