તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરની કેટલીક તસ્વીરો સામે આવી હતી, જેમાં તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઈ હતી કે, કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. આ દરમિયાન હવે અભિનેત્રીએ આ અંગે મૌન તોડ્યું છે અને તેનું સત્ય જણાવી દીધું છે.

વાસ્તવમાં, ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતી વખતે, કરીનાએ ત્રીજી વખત માતા બનવાની ચર્ચાઓ વિશે વાત કરી છે. તેણે લખ્યું- ‘શાંત રહો, હું ગર્ભવતી નથી. સૈફ કહે છે કે, તેણે વસ્તીમાં ઘણું યોગદાન આપ્યું છે.’ વધુમાં, કરીનાએ હાહાહાનું ઇમોજી પણ બનાવ્યું છે.

જો કે, અભિનેત્રીની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે માતા બનવાની નથી, અને જે સમાચાર ચાલી રહ્યા છે તે માત્ર અફવા છે. જોકે, આ સમાચાર પર કરીનાએ જે રીતે વાત કરી છે તે ખૂબ જ ફની છે.

વાસ્તવમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન બે બાળકોના માતા-પિતા છે. જેમના નામ તૈમૂર અને જેહ છે. આ બે સિવાય સૈફ અલી ખાનને તેની પહેલી પત્ની અમૃતા સિંહથી વધુ બે બાળકો છે, જેમના નામ સારા અલી ખાન અને ઈબ્રાહિમ છે. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને ઘણીવાર ચર્ચામાં રહે છે.

કરીનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો આ દિવસોમાં તે આમિર ખાન સાથેની તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચાઓમાં છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.