પ્રખ્યાત ફિલ્મ KGF માં મહત્વની ભૂમિકા ભજવનાર કન્નડ અભિનેતા કૃષ્ણા જી રાવનું નિધન થયું છે. તેમણે બુધવારે બેંગ્લોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણજી રાવને સીતા સર્કલ, બેંગ્લોર પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં તેમનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કૃષ્ણાજી રાવ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેના ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. તેમની તબિયત બગડવાના કારણે તેમને ICU માં રાખવામાં આવ્યા હતા. ક્રિષ્ના જી રાવ ફિલ્મ KGF માં અંધ વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કૃષ્ણા જી રાવ એક સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ થતા કૃષ્ણાજી રાવને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. KGF પ્રોડક્શન હાઉસે કૃષ્ણા જી રાવના નિધનને લઈને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કૃષ્ણા જી રાવની તસ્વીર શેર કરી અને લખ્યું હતું કે, “હોમેબલ ફિલ્મ્સની ટીમ કૃષ્ણા જી રાવને શ્રદ્ધાંજલિ અર્પે છે. કેજીએફના ચાહકો તેમને પ્રેમથી ટાટા તરીકે ઓળખે છે. ઓમ શાંતિ.”

KGF ફિલ્મમાં કૃષ્ણજી રાવનું દ્રશ્ય ખૂબ જ પ્રખ્યાત છે જ્યાં તે રોકી ભાઈ અને નરચી વચ્ચેની લડાઈ પહેલા જોવા મળ્યા હતા. ફિલ્મમાં નરચી વૃદ્ધાને મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ પછી રોકી ભાઈ પ્રવેશ કરે છે.

જણાવી દઈએ કે કૃષ્ણા જી રાવે ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન કેટલાક દાયકાઓ સુધી સહાયક નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ નેનો નયનપ્પાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તે દસ માથાવાળા પાત્ર તરીકે જોવા મળ્યો હતો.