બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન મોટી વાત કહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ આ પૂછપરછમાં કહ્યું છે કે, તે કાળિયાર કેસમાં સલમાન ખાનને માફ કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સતત લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન, ઇ-ટાઇમ્સના સમાચાર અનુસાર, લોરેન્સ બિશ્નોઇએ કહ્યું છે કે, “હું કાળિયાર શિકારના મામલામાં સલમાન ખાનને માફ નહીં કરું.” આ કેસમાં સલમાન ખાનની સજાનો નિર્ણય કોર્ટ નહીં કરે. સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાને જાહેરમાં આવીને આપણા સમુદાયના લોકોની માફી માંગવી પડશે. જો સલમાન આમ નહીં કરી શકે તો અમે તેને મારી નાખીશું.

વાસ્તવમાં વર્ષ 1998 માં ફિલ્મ હમ સાથ-સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર રાજસ્થાનમાં કાળિયાર શિકાર કેસનો આરોપ લાગ્યો હતો. આ કાળા હરણ કેસમાં સલમાન ખાનને પણ જેલની હવા ખાવી પડી છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ કાળા હરણને પૂજનીય માને છે. એવું માનવામાં આવે છે કે, બિશ્નોઈ સમુદાય તેમના ધાર્મિક ગુરુના પુનર્જન્મ તરીકે કાળા હરણની પૂજા કરે છે. જે અંતર્ગત લોરેન્સ બિશ્નોઈ પોતે પણ આ કોમ્યુનિટીના છે. આવી સ્થિતિમાં કટ્ટર ધાર્મિક વ્યક્તિ હોવાના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાનના જીવનો દુશ્મન બની ગયો છે.