વર્ષ 2017 બાદ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા તુષાર કપૂર મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તુષારની કમબેક ફિલ્મ ‘મારિચ’ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગોલમાલ ફ્રેન્ચાઈઝીમાં પોતાની અદભૂત કોમેડીને કારણે કોમેડી અભિનેતાની ઈમેજ ઉભી કરનાર તુષાર કપૂર આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે. આવી સ્થિતિમાં તુષારે ખુલાસો કર્યો છે કે, તેણે કોમેડી સિરીઝ છોડીને ‘મારીચ’ જેવી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ કેમ પસંદ કરી છે.

તુષાર કપૂરની છેલ્લી ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ‘ગોલમાલ અગેન’ હતી. 5 વર્ષની લાંબી રાહ બાદ હવે તે ‘મારિચ’ દ્વારા એક મોટો ધમાકો કરવા માટે તૈયાર છે. આ દરમિયાન, તુષારે તે કારણ જાહેર કર્યું છે કે, તેણે શા માટે કોમેડી ફિલ્મ છોડી દીધી અને મારીચ પસંદ કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તુષાર કપૂરે કહ્યું છે કે, કોમેડી ફિલ્મો કરવાને કારણે દરેકને એવું લાગવા લાગ્યું કે, હું માત્ર કોમેડી ફિલ્મો જ કરી શકું છું.

એટલા માટે મારી ઈમેજ પણ કોમેડી હીરો જેવી બની ગઈ છે. આ દરમિયાન ઘણા લોકો મારી પાસે કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને આવ્યા, પરંતુ હું આ મિથને તોડવા માંગતો હતો, તેથી જ મેં ‘મારીચ’ પસંદ કરી છે. જો કે, સારી સ્ક્રિપ્ટની શોધમાં મેં આ દરમિયાન ‘લક્ષ્મી’ બનાવી અને એક પુસ્તક પણ લખ્યું છે.

‘ગોલમાલ અગેન’ બાદ તુષાર કપૂર હવે ‘મારીચ’ દ્વારા થિયેટરોમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. ‘મારીચ’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ ઓફિસરની ભૂમિકામાં તુષાર કપૂર હત્યારાની શોધમાં લાગેલા છે. તુષારની ‘મારિચ’ આગામી 9 મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તુષાર કપૂર ઉપરાંત નસીરુદ્દીન શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે.