સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતાના અવસાનના બે મહિના જ થયા હતા કે, ફરી એકવાર તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હવે તેના પિતા અને સાઉથ સિનેમાના જાણીતા એક્ટર કૃષ્ણા ઘટ્ટમનનેનીનું નિધન થયું છે. મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમાચાર સામે આવ્યા બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને સામાન્ય લોકોથી લઈને ઘણી મોટી હસ્તીઓ તેના પર શોક વ્યક્ત કરી રહી છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે.

આ સમાચાર પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ મહેશ બાબુના પિતા એટલે કે કૃષ્ણા ઘટ્ટામનેનીને દિગ્ગજ સુપરસ્ટાર ગણાવ્યા છે. વડાપ્રધાને તેમના ટ્વીટમાં લખ્યું છે કે, “કૃષ્ણ ગારુ એક મહાન સુપરસ્ટાર હતા, જેમણે પોતાના વર્સીટાઈલ અભિનય અને તેજસ્વી વ્યક્તિત્વથી લોકોના દિલ જીતી લીધા હતા. તેમના નિધનથી સિનેમા અને મનોરંજન જગત માટે મોટી ખોટ છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો મહેશ બાબુ અને તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ.”

તમને જણાવી દઈએ કે, મહેશ બાબુના પિતાને સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હૈદરાબાદની કોન્ટિનેંટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, મંગળવારે સવારે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

કૃષ્ણા ઘટ્ટમનનેની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત કલાકાર હતા. અભિનયની સાથે તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું હતું. તેમના વિશે એવું કહેવાય છે કે તેણે પોતાના ફિલ્મી કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મો કરી હતી, જે ઘણી મોટી સંખ્યા છે.