સોનાલી ફોગાટ કેસમાં આરોપીઓના પોલીસ રિમાન્ડ વધુ 2 દિવસ લંબાયા

હરિયાણાના બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનો હજુ ઉકેલ આવ્યો નથી. ગોવા પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. બીજી તરફ, ઉત્તર ગોવાની મેપ્સા કોર્ટે મુખ્ય આરોપી સુધીર સાંગવાન અને સહ-આરોપી સુખવિંદરની પોલીસ રિમાન્ડ વધુ બે દિવસ માટે લંબાવી દીધા છે.
તમને જણાવી દઈએ કે, ધરપકડ બાદ કોર્ટે સુધીર સાંગવાન અને સુખવિંદરને પ્રથમ વખત 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા, ત્યાર બાદમાં વધુ બે દિવસ માટે લંબાવી દેવામાં આવ્યા હતા. સાંગવાન અને સુખવિંદરને તેમના કુલ 12 દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ ગુરુવારે ગોવા પોલીસે ફરીથી કોર્ટમાં રજૂ કર્યા હતા.
પોલીસે માપસા કોર્ટમાં આરોપીની પોલીસ કસ્ટડી વધુ બે દિવસ લંબાવવાની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની માંગણી સ્વીકારી છે. પોલીસ રિમાન્ડ લંબાવવાની માંગ કરતા પોલીસે જણાવ્યું હતું કે ગોવા પોલીસની એક ટીમ બુધવારે હરિયાણાથી કેટલાક દસ્તાવેજો સાથે પરત આવી હતી જેના વિશે સુધીર સાંગવાનની પૂછપરછ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટે સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયું હતું. તેને એક રેસ્ટોરન્ટમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં લઈ આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સોનાલીના મોતના મામલામાં ગોવા પોલીસ તપાસ કરી રહી છે.
સંબંધીઓની ફરિયાદ પર પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના ભાગીદાર સુખવિંદરની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન સુધીર સાંગવાને સોનાલી ફોગટને ડ્રગની ઓવરડોઝ આપ્યાનું કબૂલ્યું છે.