શાહરૂખ ખાનની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પઠાણ’ આવતા વર્ષે રિલીઝ થશે, પરંતુ ફિલ્મની સિક્વલ પહેલેથી જ તૈયાર છે. નિર્માતા આદિત્ય ચોપરા અને તેમની ટીમ સલમાન ખાનની ‘ટાઈગર’ ફિલ્મોની જેમ શાહરૂખની એક્શન-થ્રિલરને ફ્રેન્ચાઈઝીમાં બદલવાની પ્લાનિંગમાં છે.

ઇ-ટાઇમ્સના સમાચાર અનુસાર, મેકર્સે ‘પઠાણ’ ની સિક્વલમાં વધુ પાત્રો ઉમેરવાનો નિર્ણય કર્યો છે, જે હાલમાં પ્રક્રિયામાં છે. ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે, ‘પઠાણ’ ની ટીમે ફિલ્મની સિક્વલ લખવાનું શરૂ કરી દીધું છે અને ‘ટાઈગર’ ફિલ્મોની જેમ આ વાર્તા પણ અલગ-અલગ દેશો પર આધારિત હશે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ’ માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાંથી શાહરૂખ ખાન સાથેના તમામ પાત્રોના લુક્સ સામે આવ્યા છે. આ ફિલ્મ પણ સલમાન ખાનની ‘ટાઈગર 3’ સાથે ક્રોસઓવર કરવા જઈ રહી છે, જેમાં શાહરૂખ અને સલમાન બંને એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરતા જોવા મળશે.

સલમાન ખાન પહેલાથી જ ‘પઠાણ’ માં તેના ભાગ માટે શૂટિંગ કરી ચુક્યા છે પરંતુ શાહરૂખે હજી ‘ટાઈગર’ માટે શૂટિંગ કરવાનું બાકી છે. શાહરૂખના કેમિયોનું શૂટિંગ વિલંબમાં આવ્યું કારણ કે બંને કલાકારો તેમના બીજા પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે શાહરૂખ ખાન પણ તેની આગામી ‘જવાન’ અને ‘ડંકી’ ના શૂટિંગમાં વ્યસ્ત છે.