પંજાબી ગાયક, અભિનેતા અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના મોતનો મામલો હજુ પૂરેપૂરો ઉકેલાયો નથી કે ઇન્ડસ્ટ્રીના વધુ સેલેબ્સ ગેંગસ્ટર્સના નિશાના હેઠળ આવી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ પછી, કેટલાક વધુ સેલેબ્સને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનનું નામ છે.

હવે આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સંદીપ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સંદીપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા ધમકી આપવામાં આવી છે, ત્યારબાદ ડિરેક્ટરે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે.

સદીપ સિંહને ધમકી મળવાની બાબતમાં મુંબઈ પોલીસે એક નિવેદન પણ જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ‘ફિલ્મ નિર્માતા સંદીપ સિંહને ફેસબુક દ્વારા ધમકીઓ મળી છે. સંદીપે મુંબઈના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કર્યો હતો. ધમકીમાં તેને સિદ્ધુ મુસેવાલાની જેમ મારી નાખવાની વાત કહેવામાં આવી છે, કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.