રાજુ શ્રીવાસ્તવ 42 દિવસ લાંબી લડત બાદ અંતે જિંદગીની જંગ હારી ગયા

કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત હાસ્ય કલાકારોમાંથી એક અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાંથી એક રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમણે બુધવારે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચે 42 દિવસની લડાઈ લડ્યા બાદ આજે કોમેડિયનનું અવસાન નીપજ્યું છે.
તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. કોમેડિયનને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો પછી પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યા ન હતા અને બધાને હસાવનાર કોમેડિયન બધાને રડાવીને આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા ગયા હતા.
રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ બાદ તેમના પીએ રાજેશ શર્માએ એક નામી ચેનલને જણાવ્યું છે કે અમને આશા હતી કે તે ઠીક થઈ જશે. તેણે કહ્યું કે હું મુંબઈમાં છું, મેં હમણાં જ વાત કરી છે. રાજુભાઈનું નિધન આપણા સૌ માટે મોટી ખોટ છે.