રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ આટલી કમાણી કરવાની ગતિ અટકવાનું નામ લઈ રહી નથી. રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર હવે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બીજા રવિવારે ફિલ્મના કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે ફિલ્મ 250 કરોડની ક્લબમાં સામેલ થવાની રાહ જોવાઈ રહી છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી બ્રહ્માસ્ત્રને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મનું દસમા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.

બીજા સપ્તાહમાં પણ બ્રહ્માસ્ત્રનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મને સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મે બીજા સપ્તાહમાં 40 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આવો તમને જણાવીએ દસમા દિવસે બ્રહ્માસ્ત્રએ કેટલું કર્યું કલેક્શન..

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, બ્રહ્માસ્ત્રે દસમા દિવસે લગભગ 16.25-17.25 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર બાદ કુલ કલેક્શન 209-210 કરોડની આસપાસ થઈ ગયું છે. જો બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ જોવામાં આવે તો ત્રીજા સપ્તાહમાં તે 250 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

વર્ષ 2022 આલિયા ભટ્ટ માટે લકી રહ્યું છે. આ વર્ષે તેની ત્રણ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ ત્રણેય ફિલ્મો 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આલિયાની RRR, ગંગુબાઈ કાઠિયાવાડી અને હવે બ્રહ્માસ્ત્ર ત્રણેય ફિલ્મોએ 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

બ્રહ્માસ્ત્રની વાત કરીએ તો પહેલો ભાગ હિટ થયા બાદ અયાન મુખર્જીએ તેના બીજા ભાગની જાહેરાત કરી છે. બ્રહ્માસ્ત્ર – ભાગ ટુ દેવ વર્ષ 2025 માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દેવની વાર્તા બતાવવામાં આવશે.