રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ ને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. જોરદાર પ્રમોશન છતાં ફિલ્મ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મને વિવેચકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે, પરંતુ તેની કમાણી પર તેની કોઈ અસર જોવા મળી નથી. આગામી બે દિવસ ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જયેશભાઈ જોરદારની કમાણીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર શુક્રવારે માત્ર 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કમાણી ફિલ્મને લઈને જોઈ તો તે ઘણી ઓછી છે. છેલ્લા કેટલાક દિવસોથી રણવીર સિંહ ફિલ્મના પ્રમોશનની તમામ જવાબદારી પોતાના ખભા પર ઉઠાવતો જોવા મળ્યો હતો.

જયેશભાઈ જોરદાર દિવ્યાંગ ઠક્કરે નિર્દેશન કર્યું છે. નિર્દેશક તરીકે આ તેમની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં, રણવીર સિંહે એક સામાન્ય ગુજરાતી વ્યક્તિનું પાત્ર નિભાવ્યું છે જે તેની આવનારી બાળકીનો જીવ બચાવવા માટે તેના રૂઢિચુસ્ત પરિવાર સાથે લડી રહ્યો છે. બોમન ઈરાની આ ફિલ્મમાં રણવીરના પિતાના રોલમાં જોવા મળ્યા છે. તેમાં રત્ના પાઠક શાહ પણ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ રિલીઝ થયેલી મોટાભાગની હિન્દી ફિલ્મોની શરૂઆત ખરાબ જોવા મળી હતી. હાલમાં જ એટેક, જર્સી અને રનવે 34 જેવી ફિલ્મો પણ ખરાબ રહી હતી. આ ફિલ્મોને પણ પહેલા દિવસે ખૂબ જ નબળી ઓપનિંગ મળી હતી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શનિવાર અને રવિવારે રજાના કારણે ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળી શકે છે.