‘પુષ્પાઃ ધ રાઈઝ’ ની સફળતા બાદ સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા સતત વધી રહી છે. રશ્મિકાને માત્ર સાઉથથી જ નહીં પરંતુ બોલિવૂડમાંથી પણ ઘણી મોટી ઓફર મળવા લાગી છે. રશ્મિકા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિશન મજનૂ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં રશ્મિકા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, રશ્મિકાના હાથમાં બોલિવૂડનો વધુ એક મોટો પ્રોજેક્ટ લાગી ગયો છે. જેમાં અભિનેત્રી ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

એક અહેવાલ મુજબ, બોલિવૂડ ડિરેક્ટર શશાંક ખેતાને તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી એક માટે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથે હાથ મિલાવ્યા છે. રિપોર્ટ અનુસાર, કરણ જોહર અને શશાંક ખેતાનના આ આગામી પ્રોજેક્ટમાં અભિનેતા ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે સમાચાર એ પણ છે કે, નિર્માતાઓએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રશ્મિકા મંદન્નાને કાસ્ટ કરી છે.

નિર્માતાઓએ ટાઈગર શ્રોફ અને રશ્મિકા મંદન્નાને ફિલ્મમાં નવી જોડી તરીકે લીધા છે. એવા પણ સમાચાર છે કે, મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મ માટે ટાઇગર અને રશ્મિકાની જોડીની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ મુજબ, શશાંક ખેતાનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ એક એક્શન ડ્રામા હશે, જેનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે. સમાચાર છે કે, આ ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત વિદેશોમાં પણ કરવામાં આવશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગણપત પાર્ટ 1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2’ સિવાય ‘ગુડ બાય’ અને ‘મિશન મજનૂ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.