રિયા કપૂર અને કરીના કપૂર ખાન Veere Di Wedding પછી ફરીથી સાથે કામ કરશે, અભિનેત્રીએ ફિલ્મની કહાની પણ જણાવી…

‘ Veere Di Wedding’ પછી કરીના કપૂર ખાન ફરી એકવાર રિયા કપૂર સાથે કામ કરવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો કરીના કપૂર ખાને એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જોકે, કરીનાએ સ્પષ્ટ કર્યું છે કે તે વીરે દી વેડિંગની સિક્વલમાં કામ કરી રહી નથી. આ ફિલ્મ તેના કરતા થોડી અલગ હશે. જો કે તેની વાર્તા પણ મહિલાઓ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન અને રિયાએ 2018માં ‘વીરે દી વેડિંગ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં કરીના ઉપરાંત સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વીરે દી વેડિંગ પછી દર્શકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા.
મીડિયા સાથે વાતચીત દરમિયાન કરીનાએ કહ્યું કે, “હું રિયા સાથે એક ફિલ્મ કરી રહી છું, આ ફિલ્મ વીરે દી વેડિંગની સિક્વલ નથી. આ ફિલ્મની વાર્તા ત્રણ મહિલાઓ પર આધારિત છે અને આ ફિલ્મ કંઈક અલગ હશે. ફિલ્મની વાર્તા ખૂબ જ શાનદાર અને મજેદાર છે. રિયાએ આ ફિલ્મ માટે બે સ્ટાર કલાકારોની પસંદગી કરી છે, જેના વિશે હું હજી કહી શકીશ નહીં પરંતુ હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું માત્ર તે ક્ષણની રાહ જોઈ રહી છું જ્યારે રિયા ફિલ્મની જાહેરાત કરશે.”
આ સાથે કરીનાએ એ પણ જણાવ્યું છે કે, તે આ ફિલ્મ પર બહુ જલ્દી કામ શરૂ કરવા જઈ રહી છે. તેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં અથવા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝની તૈયારી કરી રહી છે. આ બોલિવૂડ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર ખાન જોવા મળશે. આ ફિલ્મ 1994 માં આવેલી હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રિમેક છે. જે આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.