અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ ને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે ભાઈજાન વિશે વધુ એક સમાચાર આવી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે અભિનેતા રિતેશ દેશમુખની ફિલ્મ ‘વેદ’ માં કેમિયો કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘વેદ’ દ્વારા રિતેશ દેશમુખ ડાયરેક્શનની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. આ એક મરાઠી ફિલ્મ છે.

આ ફિલ્મમાં સલમાન ખાન ખાસ રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો તે એક ગીત પર પોતાના ડાન્સનો પાવર બતાવતો જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે સલમાન ખાનના આવ્યા બાદ આ ફિલ્મ પર શું અસર પડશે? ‘વેદ’ સિવાય સલમાન ‘પઠાણ’ ફિલ્મમાં પણ કેમિયો કરતો જોવા મળશે. સલમાન ખાન હાલમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ, પલક તિવારી અને બાકીની ટીમ સાથે હૈદરાબાદમાં ‘કભી ઈદ કભી દિવાળી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સલમાન ખાન રિતેશ દેશમુખની 2014માં આવેલી મરાઠી ફિલ્મ ‘લયા ભારી’માં પણ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યો હતો.

રિતેશ દેશમુખની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ ‘વેદ’માં તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા જોવા મળશે. આ ફિલ્મ દ્વારા જેનેલિયા ડિસોઝા લાંબા સમય બાદ ફિલ્મોમાં વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં જેનેલિયાની સાથે જીયા શંકર પણ મુખ્ય ભૂમિકામાં છે. જેનેલિયા ડિસોઝાને જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

રિતેશ દેશમુખની ફિલ્મ ‘વેદ’ 12 ઓગસ્ટ 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે જોવાનું રહેશે કે, તેનું કમબેક હિટ રહે છે કે ફ્લોપ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન આ મહિનાના અંત સુધીમાં ફિલ્મમાં પોતાના ગીતનું શૂટિંગ શરૂ કરશે. આ ગીતનું શૂટિંગ મુંબઈમાં થશે. રિતેશ દેશમુખ હાલમાં શૂટિંગને લઈને સલમાન ખાન સાથે વાતચીત કરી રહ્યા છે.