બોલિવૂડનો કિંગ એટલે કે શાહરૂખ ખાન 2023 માં પોતાની ત્રણ ફિલ્મો (પઠાણ, જવાન અને ડંકી) સાથે ચાહકોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. 2018 માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ બાદ શાહરૂખ ખાન સિલ્વર સ્ક્રીન પર કમબેક કરવાના છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ 25 જાન્યુઆરી, 2023 ના રોજ રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’ આ ફિલ્મમાં કિંગ ખાનની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ નેગેટિવ રોલમાં જોવા મળશે.

હાલમાં જ ‘પઠાણ’ નું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં શાહરૂખ ખાન અત્યંત ખતરનાક લાગી રહ્યો હતો. હવે ‘પઠાણ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આ પોસ્ટર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. આ પોસ્ટરમાં શાહરૂખ ખાન ગળા પર બંદૂક રાખેલા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું આ નવું પોસ્ટર યશ રાજ ફિલ્મ્સના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, “તે હંમેશા લડાઈમાં શોટગન મેળવે છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.” યશરાજ ફિલ્મ્સની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે કે, “ગ્રાન્ડ કમબેક માટે ભવ્ય તૈયારી.” તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર સુનામી લાવશે.” તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં જાસૂસની ભૂમિકા ભજવશે અને ફિલ્મમાં અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે લડતો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ 2 જૂનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી નયનતારા મુખ્ય પાત્ર ભજવતી જોવા મળી રહી છે. 2023 ના અંતમાં શાહરૂખ અભિનેત્રી તાપસી પન્નુ સાથે ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે.