અભિનેત્રી, પંજાબી સિંગર અને બિગ બોસ સીઝન-13 ની ફાઇનલિસ્ટ શહેનાઝ ગિલના પિતાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શહનાઝના પિતા સંતોંખ સિંહ સુખે પણ આ અંગે અમૃતસર ગ્રામીણ પોલીસને ફરિયાદ કરી છે.

મળતી માહિતી મુજબ, અમૃતસરથી જલંધર જતા માર્ગ પર જંડિયાલા પાસે સંતોખ સિંહના ફોન પર વિદેશી નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન ઉપાડતા ફોન કરનારે દિવાળી પહેલા ઘરમાં ઘુસીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે સંતોખને જાનથી મારી નાખવાની ધમકી આપતા પહેલા તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.

શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહને આ પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. સંતોખ 2021 માં ભાજપમાં જોડાયા હતા અને 25 ડિસેમ્બરે બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ સંતોક પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો અમૃતસરના રહેવાસી હતા. આ હુમલામાં સંતોખ મહા મુસીબતે બચ્યા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે સંતોખ અમૃતસરથી બિયાસ જઈ રહ્યા હતા અને જંડિયાલા ગુરુ વિસ્તારમાં એક ઢાબા પર રોકાઈ રહ્યા હતા. પોલીસમાં ફરિયાદ નોંધાવતી વખતે સંતોખે કહ્યું હતું કે, તેમના બંદૂકધારીઓ વોશરૂમમાં જવા ઈચ્છતા હતા અને એટલા માટે તેમને કાર ગુરુદાસપુરિયા ધાબા પાસે રોકી લીધી હતી. આ દરમિયાન બે બાઇક સવાર તેમની કાર પાસે પહોંચ્યા અને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અહેવાલ મુજબ, તેમની કારને ચાર ગોળી વાગી હતી. જો કે, જ્યારે સંતોખના બંદૂકધારીઓ તેને બચાવવા દોડ્યા ત્યારે હુમલાખોરો ભાગી ગયા હતા.