બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની 2018 માં આવેલી ફિલ્મ ‘સ્ત્રી’ એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાના અભિનયને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સ્ત્રીની સફળતા બાદ હવે મેકર્સ આ પ્રકારની હોરર કોમેડી ફિલ્મ પર ઘણું ફોકસ કરી રહ્યા છે. જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘સ્ત્રી’ની પ્રિક્વલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે.

સ્ત્રીની સફળતા બાદ નિર્માતા દિનેશ વિજને રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂરને લઈને ‘રૂહી’ ફિલ્મ બનાવી હતી. તેમ છતાં આ ફિલ્મ કંઈ ખાસ કમાલ દેખાઈ શકી નહોતી. ત્યાર બાદ તાજેતરમાં વરુણ ધવન અને કૃતિ સેનન સાથેની ફિલ્મ ‘ભેડિયા’ ની જાહેરાત થઈ હતી. જ્યારે હવે હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ની પ્રિક્વલ પર કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા કપૂરે ફિલ્મમાં તેના રોલ માટે મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જશે.

સ્ત્રીની પ્રિક્વલના સમાચાર સાંભળ્યા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થયા હશે. હવે સવાલ એ ઉઠે છે કે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે તે જ સ્ટારકાસ્ટ જોવા મળશે જે તે ‘સ્ત્રી’માં હતી. એટલે કે રાજકુમાર રાવ, અપાર શક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી કે અન્ય કોઈ સ્ટાર તેમની જગ્યાએ આ ફિલ્મમાં એન્ટ્રી કરશે. આ તમામ પ્રશ્નો હજુ ઉકેલવાના બાકી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર હાલમાં ડિરેક્ટર લવ રંજનની આગામી અનટાઈટલ્ડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં રિલીઝ થશે. આ સિવાય શ્રદ્ધા વિશાલ ફુરિયાની ફિલ્મ ‘નાગિન’ માં જોવા મળશે. ‘ચાલબાઝ ઇન લંડન’ પણ શ્રદ્ધાની આગામી ફિલ્મોમાંથી એક છે.