બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં તેની સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ એટલે કે ‘હેરા ફેરી 3’ માટે ચર્ચામાં રહેલ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે ખુલાસો કર્યો હતો કે, તેને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી નથી, જેના કારણે અક્ષયે ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. જો કે હવે અક્ષય કુમારના આ નિવેદન પર અભિનેતા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા આવી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જો અક્ષય ફિલ્મમાં પરત આવી શકે છે તો તે મેકર્સ સાથે વાત કરશે.

નામી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મને ખબર નથી કે અચાનક શું થઈ ગયું છે. અક્ષય હવે આ ફિલ્મનો ભાગ રહેશે નહીં. એકવાર હું ધારાવી બેંકનું પ્રમોશન પૂરું કરીશ. પછી હું બેસીશ. ફિરોઝ (ફિલ્મના નિર્માતા) સાથે અને સમજો કે શું થયું છે. અક્ષય, હું અને પરેશ આ ફિલ્મ કરવા માટે સંમત થયા હતા, પરંતુ અચાનક આવેલા આ વળાંકથી મને આશ્ચર્ય થયું.”

એટલું જ નહીં સુનીલ શેટ્ટીએ એમ પણ જણાવ્યું છે કે, અક્ષય કુમાર વગર ‘હેરા ફેરી 3’ પહેલા જેવી રહેશે નહીં. રાજુ, બાબુ ભૈયા અને શ્યામ એવા આઇકોનિક કલાકારો છે જેમની સફર એક સાથે રહી છે. સુનીલ શેટ્ટીએ વધુમાં ઉમેર્યું, “જ્યારે કોઈ ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે આપણે બધા ઉત્સાહિત થઈ જઈએ છીએ. હું જોવા માંગુ છું કે શું વસ્તુઓ હજુ પણ કામ કરી શકે છે.”

તમને જણાવી દઈએ કે અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતા કાર્તિક આર્યન ‘હેરા ફેરી 3’નો ભાગ હશે. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેતા પરેશ રાવલે કરી છે. જોકે, ફિલ્મમાં કાર્તિક અક્ષય કુમારનું પાત્ર ભજવશે નહીં, પરંતુ અન્ય પાત્ર ભજવતો જોવા મળશે.