વર્ષ 2015 માં આવેલી અજય દેવગણ, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યારથી ફિલ્મના બીજા ભાગની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, હવે આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે ‘દ્રશ્યમ 2’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

27 સપ્ટેમ્બરના રોજ અજય દેવગણે ‘દ્રશ્યમ’ માં ઉપયોગમાં લેવાતા કેટલાક પુરાવા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જેના પછી લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ અને તેઓએ ‘દ્રશ્યમ 2’ વિશે અભિનેતાની પોસ્ટ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ‘દ્રશ્યમ 2’ ના ફર્સ્ટ લુકને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અજય દેવગણે આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં હજુ સુધી કોઈ એક્ટર્સનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી.

પોસ્ટરમાં જોઈ શકાય છે કે, વિજય સાલગોંકર એટલે કે અજય દેવગણ બાબાના મહાસત્સંગની બહાર તેમની પત્ની નંદિની એટલે કે શ્રિયા સરન અને તેમની બે દીકરીઓ સાથે ઊભેલા જોવા મળે છે. આ પોસ્ટરને જોઈને ખબર પડે છે કે ‘દ્રશ્યમ 2’ ખૂબ જ સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર હશે. આ પોસ્ટરને શેર કરતાં અજય દેવગણે લખ્યું છે કે, “2જી અને 3જી ઓક્ટોબરે શું થયું હતું તે યાદ છે? વિજય સાલગોનકર તેના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે.

ફિલ્મના પોસ્ટરની સાથે તેના ટીઝરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગણે આ પોસ્ટમાં જણાવ્યું છે કે ‘દ્રશ્યમ 2’નું ટીઝર આવતીકાલે એટલે કે 29 સપ્ટેમ્બરે રિલીઝ થશે. એટલું જ નહીં આ બધા સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.