ચીની-કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વુને શુક્રવારે દુષ્કર્મ માટે ચીની અદાલતે 13 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું છે કે, સજા ભોગવ્યા બાદ તેને દેશનિકાલ કરવામાં આવશે. ક્રિસ વૂની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.

વેરાયટીના રિપોર્ટ અનુસાર, ક્રિસ વુને દુષ્કર્મ અને સામૂહિક અનૈતિકતા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. જુલાઈ 2021 માં, સૌંદર્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા 18 વર્ષના ડુ મેઇઝુએ ક્રિસ વુ પર આરોપો લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા આરોપ લગાવ્યો હતો કે, ક્રિસ વુએ તેની સાથે ડેટ-રેપ કર્યો હતો જ્યારે તે નશામાં હતી, જ્યારે તે 17 વર્ષની હતી.

એટલું જ નહીં, ડુ મેઇઝુએ પાછળથી ક્રિસ વુ પર બે સગીર સહિત અન્ય છોકરીઓ સાથે પણ આવું કરવાનો આરોપ લગાવ્યો છે. ધ્યાન રાખો કે ચીનમાં સંબંધ બાંધવા માટે સંમતિની ઉંમર 14 વર્ષ છે. ક્રિસે તે સમયે આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ બે અઠવાડિયા પછી, બેઇજિંગમાં ચાઓયાંગ ડિસ્ટ્રિક્ટ પીપલ્સ પ્રોક્યુરેટરે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું કે તપાસ પછી, ક્રિસની ધરપકડને મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ચીનમાં દુષ્કર્મ જેવા ગુનામાં સામાન્ય રીતે 3 થી 10 વર્ષની જેલની સજા થાય છે, જો કે, ખાસ કરીને ગંભીર મામલામાં સજા આજીવન કેદ અથવા તો મૃત્યુદંડ પણ હોઈ શકે છે.