વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુનું હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું છે. તે અભિનેતાની સાથે મહેબૂબ સ્ટુડિયો જઈ રહ્યો હતો, જ્યાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચી મનોજને બીજો એટેક આવ્યો અને તેનો જીવ ચાલ્યો ગયો હતો. મનોજ સાહુ છેલ્લા 15 વર્ષથી અભિનેતાની કાર ચલાવી રહ્યો હતો.

મનોજ સવારે વરુણ સાથે મહેબૂબ સ્ટુડિયો ગયો હતો જ્યાં વરુણને કેટલીક જાહેરાતો શૂટ કરવાની હતી. મનોજને અચાનક છાતીમાં દુ:ખવાનું શરુ થઈ ગયું હતું. જેના લીધે વરુણ અને બાકીના ક્રૂ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. લીલાવતી હોસ્પિટલના અજય પાંડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વરુણ ધવન મનોજના નિધનથી ખૂબ જ દુખી છે.

આ ઘટનાથી દુઃખી થયેલા ડેવિડ ધવને મનોજના પરિવારનું ધ્યાન રાખવાનું વચન પણ આપ્યું છે. વરુણ ધવન પહેલા મનોજ સાહુ તેના પિતા ડેવિડ ધવનના ડ્રાઈવર હતા. તેઓ તેમની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયા છે. મનોજના પરિવારનું ધ્યાન રાખવાની જવાબદારી ફિલ્મ નિર્દેશક દ્વારા લેવામાં આવી છે.

વરુણ ધવને તાજેતરમાં જ રાજ મેહતા દ્વારા નિર્દેશિત જુગ જુગ જિયોનું રશિયા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં વરુણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. વરુણ ધવન છેલ્લી વખત મોટા પડદા પર સારા અલી ખાન સાથે ‘કુલી નંબર 1’ માં જોવા મળ્યા હતા.