બોલીવુડ અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.

વિકી કૌશલની ફરિયાદ પર પોલીસે કલમ 506(2), 354(D) IPC r/w કલમ 67 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વિકી કૌશલનો આરોપ છે કે, એક વ્યક્તિ તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા ધમકી આપી રહ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, આરોપી તેની પત્ની એટલે કે કેટરિના કૈફ પર પણ નજર રાખી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ સેલીબ્રેટ કરવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.

આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.