સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર લાંબા સમયથી સારી કમાણી કરી રહી છે. કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપની ટુડી, 3ડી ફિલ્મ ‘વિક્રાંત રોના’ ને પણ સારી ઓપનિંગ મળી છે. 28 જુલાઈના રોજ પેન ઈન્ડિયા રિલીઝ થયેલી આ ફિલ્મ તેના પ્રથમ દિવસે દેશભરમાં લગભગ 19.60 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. જો કે આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં દક્ષિણની અન્ય મોટી ફિલ્મોની જેમ અદભૂત બતાવવામાં સફળ રહી નથી. તેણે માત્ર કન્નડમાં જ મહત્તમ કમાણી કરી છે.

જેમ હિન્દી સિનેમા પ્રેમીઓમાં આ દિવસોમાં સાઉથની ફિલ્મોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર સાઉથ ઇન્ડસ્ટ્રી બોલીવુડમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે કિચ્ચા સુદીપની ‘વિક્રાંત રોના’ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. જો કે પ્રથમ દિવસે આ મામલે ફિલ્મ નિરાશાજનક જોવા મળી હતી. ‘વિક્રાંત રોના’ એ ગુરુવારે તેના હિન્દી વર્ઝનથી માત્ર 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘વિક્રાંત રોના’ નું પહેલા દિવસનું પરફોર્મન્સ હિન્દી બેલ્ટમાં ‘વિક્રમ’ કરતા સારું રહ્યુંહતું.

‘વિક્રાંત રોના’ એ તેના શરૂઆતના દિવસે કન્નડ ભાષામાં સૌથી વધુ કમાણી કરી હતી. પ્રથમ દિવસે તેનું કલેક્શન 16.05 કરોડ રૂપિયા રહ્યું હતું. તે જ સમયે, ફિલ્મે તેલુગુમાંથી રૂ. 1.6 કરોડ, તમિલમાંથી રૂ. 55 લાખ અને મલયાલમમાંથી રૂ. 10 લાખનો બિઝનેસ કર્યો હતો. જ્યારે સસ્પેન્સ-થ્રિલરથી ભરપૂર હોવાને કારણે, ફિલ્મ વીકએન્ડ પર વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. પરંતુ આ ફિલ્મમાં સલમાન ખાનનું નામ ઉમેરવામાં આવ્યું હોવા છતાં તે હિન્દી બેલ્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી.